Skip to the content

Swadhyay 08 (20-Nov-2022)

૨૦ નવેમ્બર ૨૦૨૨ (વર્ષ ૨૦૭૯ કારતક વદ ૧૧) રોજ થયેલ સ્વાધ્યાય ૦૮ ના અંશો

    • આજના મંગળ દિવસે પૂર્ણપણે પોતાના પૂર્ણત્ત્વને પામવા માટે પ્રભુ મહાવીરની એકાકી સાધના જીવનની શરૂઆત થઇ હતી. એકાકી એટલે કહેવાતા પોતાના શરીરના પણ પોતે ન રહ્યા એવા એકાકી.
    • જન્મ સમયે અને દીક્ષા સમયે કરોડો દેવોની હાજરી હોવા છતાં તે કરોડો દેવો, ભાઇ નંદિવર્ધન સહિતનો સમગ્ર પરિવાર પણ પ્રભુની દીક્ષા પછી તેમને પૂર્ણ એકાંત કરી આપવા સ્વરૂપ ભક્તિ કરવા તેમનાથી દૂર રહ્યા. આ પણ ભક્તિનું એક સ્વરૂપ છે.
    • પ્રભુના સાધનાજીવનની વિશેષ માહિતી કેમ નથી તેનો પૂજયશ્રી આપેલો ઉત્તર - (૧) દિવ્યપુરુષોને "પોતાની કોઇ નોંધ થાય" એવી રુચિ અને પ્રકૃતિ ન હોય એટલે એવી પ્રવૃત્તિ એમની ન હોય અને (૨) ઉત્તમ પુરુષોને નોંધવાની, વધાવવાની અને સાચવવાની બાબતમાં આપણે ઊણા છીએ એ પણ હકીકત છે.

પાઠશાળા ગ્રંથ ૧ ની પ્રસ્તાવનામાંથી પૂજ્યશ્રીના વચનો - વાચકો મને લખતો રાખે છે

  • જેના થકી જીવન ભર્યું ભર્યું લાગે તે જીવન-રસ. એ સંગીત, ભોજન, માન-પાન પણ હોઇ શકે. જેમાં બીજા બધા કાર્યો ગૌણ બની જાય અને બધું જ ભૂલાઇ જાય તે જીવન-રસ.
  • ઉપવાસમાં પણ ૧૦ પ્રકારના ભોજનનો ત્યાગ કરવાનો છે. કોઇક મારા વિષે સારું બોલે એ સાંભળવાની ઇચ્છા એ પણ એક પ્રકારનું ભોજન છે અને તેનો પણ ત્યાગ કરવાનો છે.
  • પૂજયશ્રીએ પાલિતાણા કેશરિયાજીના ઉપાશ્રયમાં એક પણ જાણીતા પ્રસંગો વિના, પ્રભુના સાધનાકાળ વિષે આશરે ૩ કલાકનું પ્રવચન આપ્યું હતું જેમાં માત્ર બારસાસૂત્રના કેટલાક સૂત્રોના આધારે "પ્રભુ શાંત, પ્રશાંત, ઉપશાંત બન્યા, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત રહેતા, વાયુની જેમ અપ્રતિબદ્ધ થયા" એ કઇ રીતે તેની સમજણ આપી હતી.
  • આપણે માટે જે સંપૂર્ણતા (perfection) ની દુનિયા છે તે જ્ઞાનીની દ્રષ્ટિએ બદ્ધતાની દુનિયા છે. આયોજનની કે વિચારણાની ના નથી, પણ કરેલું આયોજન જ્યારે અમલમાં આવે ત્યારે આપણા વિચારવા સિવાયનું પ્રકૃતિએ પણ કોઇક આયોજન કરી રાખ્યું હોય તેવા ઉઘાડા મને રહેવું એ વધુને વધુ સત્યની નજીક પહોંચવાનો રસ્તો છે.
  • આત્મસ્થ થવું એ જ સુંદરમાં સુંદર અને શ્રેષ્ઠ કાર્ય છે. આત્મસ્થ થવું એટલે બહારના બધા જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વધુને વધુ અપ્રતિબદ્ધ થવું. જેમ જેમ આવા અપ્રતિબદ્ધ બનાય તેમ તેમ વધુને વધુ હળવાશનો અનુભવ થાય.
  • આપણે આપણા કોઇ એક (મનગમતાં) કાર્યમાં જ્યારે પૂર્ણ મગ્ન બનીને ડૂબી જતાં હોઇએ છે ત્યારે આજુબાજુમાં અનેક ઘટનાઓ ઘટિત થાય છે પણ તેની કોઇ નોંધ લેવાતી નથી. એવી રીતે પોતાના શુદ્ધ આત્મપ્રદેશો સાથેનું વિચરણ એટલું ગાઢ બની જાય કે આત્મા સિવાયના કોઇ જગતની ત્યાં નોંધ લેવાય નહીં.
  • આપણો જીવનનો રસ શોધવો. જે રસ મને મારા પ્રભુના આત્મપ્રદેશોમાંથી વહેતા શાંત રસ સાથે જોડી આપે એવો રસ જો મને મળી જાય તો જીવન ધન્યતાનો અનુભવ કરે. તે માટે જેનો પ્રભુ સાથેનો કોઇ ને કોઇ સ્વરુપે સંબંધ થયો હોય તેની સાથેનો સંબંધ મજબૂત બનાવવો.

પાઠશાળા ગ્રંથ ૧ ની પ્રસ્તાવનામાંથી ઉપાધ્યાયશ્રી ભુવનચન્દ્ર મુનિના વચનો - આંબાવાડિયાની સહેલ
પાઠશાળા અંક ૨ માંથી પૂજ્યશ્રીના વચનો - લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામી

  • પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત સ્તવન "ગૌતમ ગણધર નમિયે"ની કેટલીક કડીઓનું ગાન. ઉલ્લાસ વર્ધમાન બને અને વિષાદ ઓગળી જાય તે માટે સહ પરિવાર આ સ્તવનનું વારંવાર ગાન કરવા જેવું છે અને ખાસ કંઠસ્થ કરવા જેવું છે.
  • નવા વર્ષની સવારે ઉમંગ, ઉલ્લાસના વાતાવરણમાં શ્રી ગૌતમસ્વામીનો રાસ સાંભળવા મળે તેને આપણે એમના કેવળજ્ઞાનની પ્રાપ્તિની ઘટના સાથે જોડી દીધું, પણ નવા વર્ષની સવારના રાસના વાંચનનો ગર્ભિત ઇશારો એ છે કે જીવનમાં કોઇ પણ તકલીફ હોય ત્યારે કે કોઇક સૌભાગ્યની પ્રાપ્તિની ઝંખના થાય ત્યારે બીજે કયાંય જવાની જરૂર નથી, માત્ર શ્રી ગૌતમસ્વામીનું સ્મરણ કરવું.
  • શ્રી ગૌતમસ્વામીની દીક્ષા દિનથી છટ્ઠને પારણે છટ્ઠનો તપ ચાલુ હતો છતાં તેમના શરીર પર એ તપની કોઇ અસર (શરીર સૂકાવા સ્વરુપે) દેખાતી ન હતી. જે તપ દેહભાવથી ઉપર જઇ આત્મપ્રદેશ પર પહોંચી જાય તેની દેહ પર અસર ન આવે.
  • જે ૧૫૦૦ તાપસો અષ્ટાપદજી પરના કૈલાશપતિની યાત્રા કરવા માંગતા હતા એમણે નક્કી કરેલું કે આપણે જે ન કરી શકીએ તે જે કરી શકે તે આપણા ગુરુ. ગૌતમસ્વામીની યાત્રા કરીને નીચે ઉતરતાં જોઇને કહે - આજથી તમે અમારા ગુરુ એટલે હવે તમે કહો તે અમારું જીવન.
  • કેવો યોગાનુયોગ કે જે દિવસે ગૌતમસ્વામી મળ્યા તે દિવસે ઉપવાસને પારણે ઉપવાસ કરનારા, છટ્ઠને પારણે છટ્ઠ કરનારા, અટ્ઠમને પારણે અટ્ઠમ કરનારા બધા તાપસોને પારણાંનો દિવસ હતો. (દર કેટલા દિવસે આવો સરખો પારણાંનો દિવસ આવે?)
  • તાપસોએ ગુરુ તરીકે સ્વીકાર્યા પછી ગૌતમસ્વામીને અષ્ટાપદજીની યાત્રા કરાવવા વિનંતી કરી કે નહીં? સાધનાનું પહેલું ચરણ એટલે પોતે ઇચ્છાવિહીન બનવું અને ગુરુને સંપૂર્ણ સમર્પણ કરવું એટલે ગુરુ તરીકે સ્વીકાર્યા પછી તાપસોને આવી કોઇ ઇચ્છા જ નહીં રહી હશે.
  • આપણે અનંતકાળમાં જે ચારિત્ર લીધું છે તેવા જે વચનો મળે છે એ અર્થ સમજવા જેવો છે - આપણી ઇચ્છાઓને જીવતી રાખીને અઢળક આરાધનાઓ કરી છે. એકાદ પળ, આપણે ઓગળી જઇને, કોઇક આરાધનાનો એકાદ અંશ તો કરી જોઇએ?
  • આગમ ગ્રંથો મુજબ બધા જ ગણધરો અનંત લબ્ધિ નિધાન હોય છે, માત્ર શ્રી ગૌતમસ્વામીના જીવનમાં એવા પ્રસંગો બન્યા કે જેથી જગતના ચોગાનમાં આ સિદ્ધિઓ જાહેર થઇ.
  • તત્ત્વથી તો દરેક આત્મા પણ અનંત લબ્ધિ નિધાન છે તેથી અંતરંગ આત્મ જાગૃતિના પ્રભાવે કે પવિત્રતા, નિર્મળતા, અનાસક્તિ, વૈરાગ્ય વગેરે ગુણોને કારણે આત્મિક શક્તિનો આવિર્ભાવ થાય (લબ્ધિ દેખાય) તેમાં કોઇ નવાઇ નથી. આત્માની અનંત શક્તિઓમાંથી કોઇક શક્તિનું પ્રગટીકરણ એ આપણે માટે ચમત્કાર છે.
  • જાદુના પ્રયોગો જોયા પછી એવું ખરેખરમાં નક્કી કરાય કે આપણી આંખ જે કંઇ પણ જુએ તે બધું જ સત્ય છે તેવી ભ્રમણામાં રહેવું નહીં.
  • વિચાર એ બુદ્ધિના સ્તરે છે. બુદ્ધિ એ સંજોગ અને પરિસ્થિતિના આધારે નિર્ણય કરે છે. બુદ્ધિપૂર્વક નિર્ણયો થાય અને નિર્ણયો બદલાય એ વિચાર છે, પણ જે સ્વભાવ બની જાય તેને બહારના કારણોની જરૂર હોતી નથી.
  • જેનો વારંવાર અભ્યાસ થાય તે સ્વભાવ બને એટલે જ આત્માનો મૂળભૂત સ્વભાવ ન હોવા છતાં અનાદિના અભ્યાસથી આહાર, નિદ્રા, ભય અને મૈથુન આત્માના સ્વભાવ જેવા બની ગયા છે. હવે ફરીથી સાચો અભ્યાસ કરીને આત્માના મૂળભૂત સ્વભાવને ઉજાગર કરવાનો છે.
  • આપણે કામ કર્યું હોય, તેની સફળતાના હકદાર હોઇએ અને કોઇ આપણા કામની નોંધ પણ ન લે તે વખતે પણ પ્રસન્નતાથી કહેવાનુંં મન થાય કે "બહુ સારું થયું, મેં જે કામ કર્યું તે મારા પ્રભુને ખબર છે પણ બધાને ખબર નથી એટલે મારા અહંકારને ઓગાળવાનો એક મોકો મળ્યો", આવા વારંવારના અભ્યાસથી નિરહંકારી બની શકાય.
  • ઘણું બધું કરવાનું અને ક્યાંય પ્રગટ નહિ થવાનું આવા સ્વભાવવાળા મુંબઇના શ્રી ધર્મેન્દ્રભાઇને યાદ કરીને, આવા ગુણનું આપણે આકર્ષણ પેદા કરવું જોઇએ
  • ગૌતમ મહારાજાનું વિશિષ્ટ વ્યક્તિત્વ એવું કે જે જે દોષ ગણાય તે બધા જ એમના ગુણપ્રાપ્તિના કારણ બન્યા. અહંકાર હતો તો પ્રભુ સુધી પહોંચ્યા, શોક હતો તો કૈવલ્ય સુધી પહોંચ્યા. દોષને પણ ગુણનું સાધન બનાવવાનું સામર્થ્ય એમની પાસે હતું.
  • ગમે તેવી જર્ની (મુસાફરી)ને અટકાવી દે તે દીવાલ અને અનંતનું દ્વાર ઉઘાડી આપે તે દરવાજો.
  • આપણે ભૂલ કબૂલ કરીએ, પણ છૂટકો ન હોય ત્યારે, અને શક્ય હોય એટલા ઓછા શબ્દોમાં અને ઓછા વ્યક્તિઓની હાજરીમાં.. જ્યારે ગૌતમસ્વામી પ્રભુના એક શબ્દના આધારે, સમવસરણથી ફરી પાછા શ્રી આનંદ શ્રાવકના ઘરે જઇને, નીચેથી જ મોટા અવાજે, મિચ્છામી દુક્કડમ કહેતાં, કહેતાં, પોતાની ભૂલની માફી માંગે..
  • ગૌતમસ્વામી આનંદ શ્રાવકના શબ્દો માટે "મારા પ્રભુએ જેને સત્ય કહ્યું એને મેં અજાણતાં પણ અસત્ય કહ્યું એ મારી મોટી ભૂલ" એમ માની પોતાના ગણધર પદ અને એમના શ્રાવક તરીકેના કોઇ ભેદભાવ ન જોતાં, પોતાની ભૂલની માફી માંગે, આ વિનય ગુણ આપણે લાવવાનો છે.

પાઠશાળા અંક ૩ માંથી પૂજ્યશ્રીના વચનો - સુખી થવાની સાદી ચાવી असतो माँ सत् गमयः

  • આપણું ધારેલું જ્યારે નથી થતું ત્યારે સ્વસ્થતા રાખવી અઘરી છે. બધું ધાર્યા મુજબનું જ થતું હોય અને ક્રોધ ન આવે તો તેમાં નવાઇ શેની?
  • શાશ્વત વસ્તુનું જ્યારે મૂલ્ય ઓછું અંકાતું હોય તેમજ ક્ષણિક અને કામચલાઉ વસ્તુનો જ ઠઠારો રહેતો હોય તેવો યુગ તે અસત્ થી ઉભરાતો યુગ (શાસ્ત્રીય પરિભાષામાં, હૂંડા અવસર્પિણી કાળ). જ્યાં ગુણ શોધવા પડે અને દોષોનું સામ્રાજ્ય વિસ્તરીને પડ્યું હોય તે અસત્ થી ઉભરાતો યુગ
  • લવણસમુદ્રમાં જીવન લેતું શૃંગી મત્સ્ય માત્ર મીઠું જ પાણી પીએ છે. તે ક્યારેય તેની આજુબાજુના ખારા પાણીની ફરિયાદ કરતું નથી, પણ ક્યાંકથી ફૂટી નીકળતા મીઠા પાણીના સ્ત્રોતને શોધી એની આજુબાજુ રહી પોતાનું જીવન પૂરું કરી દે છે. આપણે પણ અસત્ થી ઉભરાતા યુગમાં આ જ રીતે સત્પુરુષને શોધી તેમનો સમાગમ કરવાનો છે.
  • ઉત્તમ પુરુષોનો સંગ કે ઉત્તમ ગુરુની પ્રાપ્તિ બુદ્ધિથી કે પુરુષાર્થથી ન થાય. આપણા પ્રયત્નથી મળેલા આવા ઉત્તમ તત્ત્વને આરાધી શકાય, સાચવી શકાય, પોંખી શકાય અને વિનયપૂર્વક એને ધારણ કરી શકાય.
  • બાળકને સાવ નાનપણમાં તો વિચારવાની કોઇ ક્ષમતા જ નથી એટલે માતાપિતા હૂંફ અને સુરક્ષાની લાગણીને કારણે ખૂબ વ્હાલા લાગે. થોડા મોટા થાય ત્યારે રમકડાં અને ગમતી વસ્તુની ઇચ્છાપૂર્તિથી વ્હાલા લાગે. પાંખ આવે ત્યારે ઉડવાના સમયે જો સાથ આપ્યો તો તેઓ વ્હાલા નહિ તો તેમને પણ વૈરી માની દેવાય એવી બુદ્ધિ છે.
  • જીવનભર લગભગ આપણે પોતાની જાત સિવાય કોઇને ચાહ્યા નથી એ નગદ સત્ય છે. આપણે એમને જ ચાહ્યા હશે કે જેમણે આપણી ઇચ્છાપૂર્તિમાં સહયોગ આપ્યો હશે, પછી એ માતા-પિતા હોય, મિત્ર હોય કે ગુરુ હોય. એટલે બહારથી ભલે એ બધા વ્હાલા લાગ્યા હોય, મૂળભૂત રીતે તો આપણને આપણી જાત જ વ્હાલી લાગી છે.
  • પંન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજાના શબ્દો યાદ આવે કે ઇરિયાવહિયા સૂત્ર વિના ધર્મની કોઇ પણ આરાધનાનો પ્રારંભ નથી. કેવળ પોતાના સુખ અને દુ:ખના વિચારોમાં પોતાનું ચિત્ત ઘેરાયેલું હોય તો તે ધર્મ કરી શકતું નથી માટે આ સૂત્રથી આજુબાજુના જીવોની પીડાનું પોતે કારણ નથી તેની જાગરૂકતા લાવીને ધર્મની શરૂઆત કરવાની છે.
  • જયવીયરાય સૂત્રમાં પણ ગણધર ભગવંતોએ આ જ પ્રાર્થના મૂકી કે પ્રભુ, તારા પ્રભાવે મને શુભ ગુરુની પ્રાપ્તિ થાઓ અને તેમની આજીવન અખંડ સેવા કરી શકું એવું બળ આપજો. એટલે આવા ગુરુ મળી જાય ત્યારે પ્રભુને ખાસ કહેવાનું મન થાય કે, તારી કૃપા.. તારી કૃપા..
  • આજે પણ દુનિયા સુંદર છે, આજે પણ અનેક ઉત્તમ માણસો છે, આજે પણ ચારેબાજુ ઉત્તમતાને લઇને જીવનારા અનેક ઉત્તમ જીવો છે. આપણી આજુબાજુ અને આ દુનિયામાં જ છે, પણ તેઓ માર્કેટિંગ કરતા નથી એટલે આપણને ઓળખાતા નથી. એમને શોધવા પડશે, પરખવા પડશે, આ જ સત્ શોધવાની કળા છે.
  • પૂજ્ય આચાર્ય ભગવંતે જાતે જોયેલ ઘટના - કાળુશીની પોળના કૂતરાની, બહારથી આવેલી માંદી ગાયને માટે ૧૦-૧૫ રોટલી વધારાની ભેગી કરીને ખવડાવવાનો પુરુષાર્થ - આવું સત્ તિર્યંચમાં પણ જોવા મળે તો મનુષ્યમાં કેટલું જોવા મળે? શ્રીમતી સુધા મૂર્તિના ગુજરાતી અનુવાદ થયેલા પુસ્તકોમાં આવી કેટલીય ગામેગામના કહેવાતા નાના માણસોના જીવનની ઉંચાઇઓની ઘટનાઓની નોંધ મળે છે.
  • અમદાવાદના ભાઇ, જેઓ દિલ્હીમાં શ્રી નરેન્દ્રભાઇ સાથે ખૂબ સારા હોદ્દા પર કામ કરે છે તેમને તેમના ગુરુજીએ શીખવેલી વાત - "આપણી ચિંતા આપણે કરીએ તો ઇશ્વર નિશ્ચિંત થઇ જાય અને આપણી ચિંતામાંથી આપણે નિશ્ચિંત થઇએ તો ઇશ્વર ચિંતિત થઇ જાય"
  • કોઇ પણ ભવિષ્યના કાર્ય માટે ચિંતિત નહી રહેવાનું પણ પુરુષાર્થના ભાગ રૂપે પ્લાનિંગ જરૂર કરવાનું પણ પરિણામ જે આવે તેનો ભાગ્ય પ્રમાણે સ્વીકાર કરવાનો. આવું ન કરીએ તો પ્લાનિંગ સફળ થવાથી અહંકાર આવવાની શક્યતા અને નિષ્ફળ જાય તો ફ્રસ્ટ્રેશન આવવાની શક્યતા રહે.
  • બહારનું ન ખાવાનો નિયમ હોય એવા બેંગ્લોરના બહેન અને વોશિંગ્ટનમાં રહેતા બહુ મોટી પોસ્ટ પર કામ કરતાં ભાઇ, કે જેઓ બન્ને મોટે ભાગે પોતે જ બનાવેલું ભોજન જમે છે તેમના વિચારો - "કોના હાથનું બનાવેલું, કઇ રીતે બનાવેલું અને કેવા વિચારો કરતાં બનાવેલું હશે એ ખબર ન હોય એટલે જેટલું જોઇએ તેટલું જાતે જ બનાવીને ખાવું" - આપણને આવા તત્ત્વમાં શ્રદ્ધા ન હોય એટલે કહીએ કે - આવા વેવલાવેડાં આજના જમાનામાં ન ચાલે. ખરેખરમાં તો આવા સત્ત્વશીલ વ્યક્તિઓને શોધીને તેમના ગુણો અપનાવવાના છે.
  • મને જે ઉત્તમ મળ્યું તેનું સભાનપણું હોવું તે ઉત્તમ વાત છે પણ એ બીજામાં નથી તે જોવાની દ્રષ્ટિ નથી તે ખરેખર ઉત્તમતાની નિશાની છે.
  • "મારા જોવામાં આવેલી ઉત્તમતાઓ" આવી એક ડાયરી તો અચૂક હોવી જોઇએ. જો આવો પ્રયત્ન ૫-૧૦ વર્ષ કરવામાં આવે તો ભગવત્ ગીતા જેટલું સાહિત્ય ભેગું થઇ જાય.
  • પૂજ્ય રત્નસુંદર સૂરિ મહારાજ સાહેબે વર્ષો પહેલાં કહેલું કે કળિયુગ અને સત્-યુગમાં શું ફરક? નબળા માણસને નબળું કરવામાં પણ તકલીફ પડે તે સત્-યુગ અને સારા માણસને સારું કરવામાં પણ તકલીફ પડે તે કળિયુગ.

નોંધ: આજના સ્વાધ્યાયમાં શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના સ્તવનનુંં ગાન થયું ન હતું.