Skip to the content

Swadhyay 09 (08-Jan-2023)

૦૮ જાન્યુઆરી ૨૦૨૩ (વર્ષ ૨૦૭૯ પોષ વદ ૧) રોજ થયેલ સ્વાધ્યાય ૦૯ ના અંશો

  • જેમની હાજરી માત્રથી પૂજ્યશ્રીના ભીતરમાં આનંદ પ્રગટતો તે વડીલ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું સાન્નિધ્ય આજના સમગ્ર સ્વાધ્યાયમાં પ્રાપ્ત થયું અને તેમની સાથેના સંવાદમાં અનેક શબ્દોના વિસ્તૃત અર્થોની સમજણ મળી.
  • આપણને સંસારીઓ રુપિયા, સ્થાવર મિલ્કત, જણસ વગેરેની મૂડી ગણીએ. થોડા ધાર્મિક થયા હોય તો અઠ્ઠાઇ, માસક્ષમણ, ૯૯ યાત્રા, છ'રી પાલિત સંઘ રૂપી સુકૃતોને મૂડી ગણીએ. પણ એ બધાથી ચડિયાતી મૂડી તે પ્રભુના શાસનનો રાગ. પૂજ્યશ્રીએ પોતાના હસ્તે પાઠશાળા ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું કે "આ સુકૃતના સેવનમાં જો વળતર મળતું
  • હોય તો, મારી પાસે પ્રભુના શાસનના રાગની મૂડી છે, તેમાં નિરંતર વધારો થતો રહે એવી ઇચ્છા છે." આપણને પણ આવી મૂડી વધારવાની ઇચ્છા હોવી જોઇએ.
  • "પ્રભુના સંઘને સતત હર્ષોલ્લાસથી ધબકતો જોવાના" જે કોડ પૂજ્યશ્રીને હતા તે પૂરા કરવા આપણે "પોતાની જાતને હર્ષોલ્લાસથી ધબકતી અનુભવવા માટે" પ્રામાણિકપણે સંકલ્પપૂર્વક પ્રયત્ન કરવાનો છે.
  • કોડ શબ્દને વિશેષ સમજણ આપતાં કવિશ્રી કહે છે કે કોડ એ કોઇ સામાન્ય ઇચ્છા નથી. ઇચ્છાને કોઇ પદાર્થનો વિષય હોય છે જે આપણે પ્રાપ્ત કરવો હોય છે. કોડ ઉલ્લાસમાંથી જન્મે છે અને એને ઉલ્લાસ સિવાય કંઇ પ્રાપ્ત કરવાનું હોતું નથી.

પાઠશાળા અંક ૪ માંથી પૂજ્યશ્રીના વચનો - આપણું મગજ તિજોરી છે, વખાર નથી

  • માહિતી આપણાથી અલગ હોય છે, આપણામાં ઓગળતી નથી, જ્યારે જ્ઞાન આપણા સ્વરૂપ સાથે એકરૂપ થઇ જાય એટલે કે આત્મસાત થઇ જાય છે.
  • માહિતીના અતિરેકની વ્યથામાંથી કવિશ્રીકે રચેલી નાની શેરની પંક્તિ - "આ સતત વર્ષા નથી રોકી શકાતી, પણ પછીના પૂર અટકાવી શકું છું."
  • જે વિષયમાં પ્રવૃત્ત ન હોઇએ તે વિષયની ઇચ્છાઓથી પોતાની જાતને અળગી રાખીએ તો કારણ વગરના બોજા અને કારણ વગરના ભાર ન આવે.
  • વધારાનું, ક્યારેક કામ આવશે, કદાચ ઉપયોગી બનશે અને જે ન હોય તો પણ ચાલી શકે તેવો દરેક સામાન/સામગ્રી વખારમાં મૂકાય અને જે મૂલ્યવાન છે, આધારભૂત છે, કટોકટીના સમયે સાંકળ બનીને આપણને સાચવે એવો વિશ્વાસ/ભરોસો જેના પર હોય તે દ્રવ્યો તિજોરીમાં મૂકાય.
  • વખારમાં ભરવા લાયક માહિતીઓથી મનની તિજોરી ભરી દઇએ છે એનું નુકસાન એ છે કે તિજોરી ભરાઇ જાય અને તેમાં મૂલ્યવાન કશું ન હોય તેનાથી વધુ દરિદ્રપણું શું હોય? તિજોરી ખાલી હોય તો ચાલે પણ કચરાથી ભરેલી તો ન જ હોવી જોઇએ.
  • મહારાજશ્રી આપણી સાથે વાત કરે છે ત્યારે આપણને આપણી ભૂમિકાએ સમજાય તે રીતે નીચે આવીને વાત કરે છે એ સમજાવતાં કવિશ્રી કહે છે - "થતું કે બધાને લઇ જઉં સાથે, ઘણે દૂર જઇને હું પાછો વળું છું." પૂજ્યશ્રીની ભૂમિકાએ તો તિજોરી પણ ન હોય કે વખાર પણ ન હોય (એટલે કશું સારું, ખરાબ એવા વિચારોથી અને એના સંગ્રહથી પણ ઉપર હોય) છતાં આપણને સમજાવવા તિજોરી-વખારનું રૂપક આપ્યું છે.
  • ડાયરીમાં લખવા સ્વરૂપે એક પ્રયોગ કરવા જેવો છે - "ચોવીસ કલાકમાં એવા કેટલા વિચારો છે અને કેટલી પ્રવૃત્તિઓ છે જે મનમાં સંઘરી રાખી છે પણ તે રત્ન નથી." તેના ઉપર વિચાર કરીને નોંધ કરવી. જેને રત્ન ધાર્યું હોય પણ એ ખરેખરમાં કાચનો કટકો હોય એવું લાગે તેની તિજોરીમાંથી કાઢી વખારમાં મૂકતા જવું એટલે કે જીવનમાંથી તેનું મહત્વ ઘટાડતા જવું.
  • આપણી નજરથી વધારે સૂક્ષ્મતાથી પદાર્થને જોવામાં જે સહાય કરે તેવું ઉપકરણ તે આઇ-ગ્લાસ (eye-glass). "આપણુ મગજ એ તિજોરી છે, વખાર નથી" એ વચન આઇ-ગ્લાસ જેવું જ છે.
  • સામાન્ય રીતે કચ્છ વિસ્તારમાં જ પરિભ્રમણ કરનારા જ્ઞાનપિપાસુ અને અધ્યાત્મમાર્ગે વળેલા અચલ ગચ્છના સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં થયેલ ૨૫ દિવસની શિબિરની રળિયામણી વાતો. એ અંતર્ગત ડો. જો ડિસ્પેન્ઝા (Dr Joe Dispenza) ની મનના શુદ્ધિકરણ અને મનના ધ્યાનના પ્રયોગોથી સર્જરી વિના સ્પાઇનના આશરે ૯ મણકાના ફ્રેક્ચરની આશરે ૧૦ મહિનામાં રિકવરીની ઘટનાનો ઉલ્લેખ.

પાઠશાળા અંક ૩ માંથી પૂજ્યશ્રીના વચનો - ધર્મનું સાધન અન્તઃકરણ

  • આપણું જીવન હર્ષોલ્લાસથી ધબકતું તો જ બને જો આપણા જીવનમાં ધર્મ ધબકતો હોય, અને આપણા જીવનમાં ધર્મ તો ધબકતો બને જો એ અંતઃકરણપૂર્વક થતો હોય તો...
  • ઉત્તમ પુરૂષોની નજીક જવાનું થાય ત્યારે ખાલી હાથે જઇએ તો ભરાઇને કેવી રીતે અવાય? એમની કૃપાથી આપણે સભર થવાનું છે તો એ નિમિત્તે એમને માટે કંઇક પણ ભેટ લઇને જવું જોઇએ. નીતિશાસ્ત્રની પણ વાત છે કે માતા, પિતા, ગુરુ, ભગવાન અને જ્યોતિષ પાસે ખાલી હાથે ન જવાય.
  • પૂર્વના કાળમાં મધ્યાહ્નપૂજા દરમ્યાન ઘરે બનેલી ખાવાની સામગ્રીની થાળી જ નૈવેદ્ય રૂપે પ્રભુને ધરાવાતી હતી, પણ સમય બદલાતાં જ્ઞાનીઓએ પ્રતીક સ્વરૂપે અક્ષત પૂજા વગેરે કરવાનો માર્ગ આપ્યો. શક્તિ અને સામર્થ્ય હોય તેમણે પોતાના ઘરે ઉત્તમ પ્રકારે જે ભોજન સામગ્રી બને તેને પ્રભુને ચરણે ધરાવીને પછી જ વાપરવું એ પણ ભક્તિનો એક પ્રકાર છે.
  • ગુરુને વંદન કરવા જઇએ ત્યારે એમની પાસેનો વાસક્ષેપ લઇને એમના ચરણની પૂજા ન કરાય. જેમ એમના ચરણે દ્રવ્ય અર્પણ કરીએ તેમ પૂજન માટેનો વાસક્ષેપ પણ પોતે જ લઇ જવો જોઇએ.
  • દેવ/ગુરુ/તપસ્વી પાસે જતી વખતે પોતાના અંતઃકરણને તપાસવાના બે પ્રશ્નો પૂજ્યશ્રીએ કહ્યા - આમ આવા શરીરે કેમ જવાય? ખાલી હાથે કેમ જવાય? એટલે કે પોતાના દેદાર બરાબર છે અને ભાવ બરાબર છે ને એ બન્ને તપાસી લેવા.
  • પૂજ્ય કુમારપાળભાઇ શાહ, જેમના સૂચનથી શ્રી સમકિત યુવક મંડળ દર વર્ષે શ્રી શત્રુંજય સત્કારની પ્રવૃત્તિથી તીર્થશુદ્ધિનું કાર્ય કરે છે તે માટે તેઓ કહે છે - આ પ્રવૃત્તિ કાયમી બને એ યોગ્ય નથી. ગિરિરાજ પર પૂજા કરવા જનાર સ્વયં એવું ન શીખે કે આખા ગિરિરાજ પર ક્યાંય અશુદ્ધિ કરાય જ નહિ. જેમ કેશરથી પ્રભુની પૂજા છે તેમ જ મારા કોઇ પણ દ્રવ્યથી ગિરિરાજ અશુદ્ધ ન થાય તેની કાળજી લેવી એ પણ ગિરિરાજની પૂજા છે.
  • આપણું દ્રવ્ય કોઇને યાદ રહે કે ન રહે પણ આપણા ભાવનો પડઘો તો વિશ્વમાં ક્યાંક ને ક્યાંક પડે જ. જેમ કોઇને સ્નેહ કે દુર્ભાવ લાંબા સમય સુધી યાદ રહે તેમ.
  • પૂજ્યશ્રી કહેતા કે ઘણું બધું કરવાની દોડધામમાં પડીશ નહિ, જે કરે તે ઉત્તમ થાય તેનો ખાસ પ્રયત્ન કરજે. કારણ કે કરણ અને ઉપકરણથી જે ધર્મ થાય તેના કરતાં વિશેષ અને સર્વોચ્ચ ધર્મ અંત:કરણથી શકય બનશે.
  • મોટે ભાગે આપણી ચિંતા અને કાળજી માત્ર કરણ અને ઉપકરણ માટેની હોય છે. ઘરે મહેમાન આવવાના હોય તો ગમે તેટલા દ્રવ્યો બનાવીએ એની ના નથી, પણ આવનાર માટેનો અંદરનો ભાવ અને આદર કેવો છે તે જોવાની તકેદારી રાખી? આ જ વાત મહાત્માને ગોચરી વહોરાવવામાં કે નવકારવાળી ગણવામાં પણ લાગુ પડે.
  • નવકારશીના પક્ચક્ખાણ પાળવાની ક્રિયામાં માત્ર કરણ અને ઉપકરણમાં રહી ન જતાં, અંત:કરણથી કઇ રીતે જોડાઇ શકાય ? પચ્ચક્ખાણ પાળવા પહેલાં સમવસરણમાં રહેલા પ્રભુનું ૧-૨ મિનિટ ધ્યાન ધરી, આ વ્રત બતાવી પ્રભુએ ભવચક્રમાંથી ઉગરવાનો માર્ગ બતાવ્યો તે માટે તેમના ઉપકારને યાદ કરી, ધન્યવાદ કહી, વિધિ કરવી; આથી નવકારશીનો ધર્મ પણ ફળવાન અને બળવાન બને.
  • વર્ષો પહેલા આદર્શ સ્કૂલના પ્રિન્સીપાલ (લગભગ કીર્તિભાઇ) તપોવન આવેલા તેમણે કહેલું - No game can be played without rules, but nobody plays it because of the rules. - કોઇ પણ રમત નિયમ વિના રમાતી નથી, પણ કોઇ નિયમ માટે રમતું નથી, (આનંદ માટે જ રમે છે).
    આ જ રીતે કોઇ પણ આરાધનાનો પ્રાણ અંતઃકરણની નિર્મળતા છે. કોઇ પણ ધર્મપ્રવૃત્તિનું મૂળ રાગ અને દ્વેષની મંદતા છે. માટે જ આવી અંતઃકરણ પૂર્વકની સાધના જ ફળવતી અને બળવતી બને છે.

પાઠશાળા અંક ૪૧ માંથી પૂજ્યશ્રીના વચનો - અનાસક્ત યોગી શાલિભદ્ર મહારાજનો જય હો ! જય હો !

  • ધર્મશ્રવણ સમયે જ્યારે પણ એમ થાય કે આ તો મને ખબર છે એટલે સામેથી આવતી જે કંઇ પણ ઉત્તમતા છે તેને ગ્રહણ કરવા આપણે અયોગ્ય બની જઇએ.
  • હિસાબ બરાબર કરવો હોય તો બે બાજુ જરૂરી પણ હેત તો એક બાજુથી થઇ શકે. હેત હોય ત્યાં (હૈયાની લાગણીનો) ઉભરો હોય અને એ ઉભરો આવે ત્યારે સામેના પાત્રથી એવો જ જવાબ મળે છે કે નહીં તેનું ભાન પણ હોતું નથી.
  • સામેથી જવાબ મળે તો ભાવની વૃદ્ધિ થાય એ જેટલી સાચી છે તેટલી સંપૂર્ણ નથી. મારું હૃદય રોમાંચિત થતાં થતાં, સામેથી કોઇ પણ પ્રતિભાવ ન મળે તો પણ, વૃદ્ધિ પામે એ વાત પણ એટલી જ સાચી છે. આપણે હવે તો સ્નેહ, પ્રેમ શબ્દને એવા દૂષિત કરી દીધા કે તેની પાછળના ભાવવિશ્વને સમજવાની ક્ષમતા લગભગ ગુમાવી બેઠા.
  • આ અનુસંધાનમાં કવિશ્રી કહે છે - આપણે શબ્દોનો વિચારપૂર્વકનો વિનિયોગ ન કરીને ઘણા શબ્દોને દૂષિત કરતા હોઇએ છે. જે વસ્તુ વિના મૂલ્યે મળે છે તેને આપણે વિશેષ દૂષિત કરીએ છે, જેમકે પાણી, હવા અને ભાષા. જે શબ્દોના વિશેષ વપરાશથી દૂષિત થવાની સંભાવના હોય તે શબ્દોનો ઉપયોગ ઓછો કરીએ, જરૂર જેટલો જ કરીએ, જરૂર પડે ત્યારે જ કરીએ અને જેટલા ઓછામાં ઓછા શબ્દોથી કામ ચાલતું હોય તો એક વધારાનો શબ્દ પણ ન વાપરીએ.
  • કોઇ પણ ક્રિયાની સિદ્ધિમાં જે વધારેમાં વધારે ભાગ લે છે તે કરણ (શરીર) છે. એ instrument છે પણ કર્તા (આત્મા) નથી. કર્તા તો સ્વતંત્ર છે અને કરણ એ કર્તાને આધીન છે. કરણને જે ગૌણ ભાવે સહાય કરે છે તે ઉપકરણ છે, અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંદરની સૂક્ષ્મ ઇન્દ્રિયો એ અંત;કરણ છે.
  • કોઇ પણ ઉત્તમ પુરુષો કે ઉત્તમ સ્થાન પાસે જઇએ ત્યારે કશું જ બોલ્યા વિના, કેવળ એમની ઉત્તમતાને પીવાની એક વખત આદત પડે તો આપણી પામવાની દુનિયા બદલાઇ જાય.
  • આપણી વેદનાના આંસું પડે અને એનો પદઘો સાંભળીને કોઇ દોડી આવે અને એમ પૂછે કે શું થયું? - એવી શ્રીમંતાઇ બહુ ઓછાની પાસે છે.
  • કોઇ પણ સર્વોત્કૃષ્ટ પુણ્યબંધની સ્થિતિમાં બીજા કોઇની હાજરી મોટે ભાગે અવરોધનું કારણ બને છે. અપાર આનંદની કોઇ ક્ષણ હોય ત્યારે બીજા કોઇનું હોવું માત્ર ક્યાંક ભાવને ખંડિત કરનારું બની જાય. અને એટલે જ પ્રકૃતિએ (શ્રી શાલિભદ્રજીના પૂર્વ ભવમાં) સંગમને અનાસક્તિની ચરમસીમાએ લઇ જનારા સર્વોત્કૃષ્ટ પુણ્યબંધ સમયે મા ની હાજરી પણ ના રાખી.
  • અત્યંત આનંદની ક્ષણો કોઇને વહેંચવાની ઉતાવળ ન કરવી, જો ધારણ કરતાં આવડે તો. જો ધૈર્ય હોય તો તેને ધીરે ધીરે અંદર સ્થિર થવા દેવું, કારણ કે ધ્યાન ન રાખીએ તો ક્યારેક એ આત્મપ્રશંસા કે બીજી દિશામાં લઇ જાય.
  • એક સુકૃત, એક મુનિ ભગવંતને એક વખત ખીરનું દાન થવાની પ્રક્રિયામાં એવું શું વિશિષ્ટ થયું કે જેણે શાલિભદ્રજી સુધી પહોંચાડ્યા - અંતઃકરણ શું છે? દાન પહેલાની મુનિ સાથે બંધાયેલી પ્રીત શું છે ? દાન કરતી વખતે થયેલા શુદ્ધ, શુભ્ર અને શુભ ભાવો શું છે? અને દાન થયા પછી કોઇને કહ્યા વિના દાનના આનંદને અંદર સ્થિર કરીને છેલ્લી ક્ષણ સુધી સાચવવાની ક્ષમતા શું છે ? તેનાથી સમજાય છે.
  • શાલિભદ્રના નામની વિવેચના કરતાં કવિશ્રી કહે છે - ભદ્ર એટલે કલ્યાણ કરનારું. ભલું થાઓ એ માટે પણ ભદ્રં શબ્દ વપરાય છે માટે વાતે વાતે Ok, OKay બોલવાની જગ્યાએ ભદ્રં શબ્દ વાપરવો જોઇએ.
  • કોઇકનું ઐશ્વર્ય જોઇને ચિત્તમાં આનંદ થાય તો એ ઘણા સૌભાગ્યની નિશાની છે. આ સંદર્ભમાં પૂજયશ્રીએ આગળ કહેલું કે આપણે દુઃખી એટલા માટે છીએ કેમ કે કોઇના દુઃખથી દુઃખી થવાની આદત ન હતી અને સુખી એટલા માટે નથી કેમ કે કોઇના સુખને જોઇને રાજીપો કરવાનો અભ્યાસ નથી.
  • ક્યાંય પણ સારી વસ્તુ જોઇને, અપવાદ વિના, પ્રસન્નતાનો જ અનુભવ થાય એ આત્માનો "મુદિતા"નો ગુણ છે. અનુમોદના શબ્દમાં પણ "મુદિત થવું" એટલે આનંદમાં જોડાઇ જવું એવો અર્થ ઘટે છે. ગુલાબ પડોશીના આંગણામાં ઉગે તેમાં ક્યાંય તેનું સૌંદર્ય ઓછું નથી થઇ જતું, આપણને એવી જ પ્રસન્નતાનો અનુભવ થવો જોઇએ.
  • કોઇકે કરેલા સુકૃતથી ભીતરમાં જે પ્રસન્નતાનો અનુભવ થયો, તેમને અનુસરવાનું મન થયું અને એ પ્રસન્નતાને બાહ્ય રીતે પ્રગટ કરી એ અનુમોદના.
  • આપણામાં મુદિતા ગુણ પ્રગટ ન થયો હોય અને ખાલી જગ્યા હોય તો અસૂયા (અદેખાઇ), ઇર્ષ્યા અને દ્વેષ ત્યાં ભરાઇ જાય, અને સામેનાને નુકસાન પહોંચાડવાની વૃત્તિ સુધી જઇ શકે. આ દોષોથી બચવા પૂજ્યશ્રી એક કાર્ડ ખીસામાં રાખવા સૂચન કર્યું હતું - "એનું પુણ્ય હશે માટે એને મળ્યું, મારું પુણ્ય હશે ત્યારે મને મળશે."
  • બાળપણમાં ભણ્યા હતા કે "Nature has capacity to fulfil each man's need but not a single man's desire/greed". આ ઇચ્છા જાગી કેમ કારણ કે મૂળમાં લોભ છે. ભૂખ લાગે એ જરુરિયાત છે પણ આ જ ખાવું છે એ ઇચ્છા છે. જરૂરત અને ઇચ્છા વચ્ચેનો ભેદ જે સમજે તે સહજ રીતે સંતોષી બની શકે છે.
  • જેમને રસ હોય તેમણે ખાસ શ્રી શાંતિલાલ શાહના કથાગીતો, જે અદ્ભૂત વર્ણન અને મધુર કંઠ સાથે ગવાયેલ છે તે સાંભળવા જોઇએ. પરિવારમાં વારંવાર આ ગીતો વાગવા જોઇએ. એ રીતે અવ્યક્ત રીતે આ ઉત્તમ પુરુષોનું નામસ્મરણ પરિવારમાં ગુંજતું રહે તો તેમની ઉત્તમતાના બીજ પડે.
  • જે આંખથી ગ્રહણ કરી શકાય તે રુપ. એમાં જે સુંદરતાનો ભાવ છે તે સૌંદર્ય અને લાવ્ણ્ય શબ્દ લવણ/મીઠું પરથી આવ્યો છે જેમ લવણ વિના ભોજન અધૂરું કહેવાય એટલે કે લવણથી સ્વાદમાં પૂર્ણતા આવે તેમ લાવણ્યતા પૂર્ણતાનું સૂચક છે.
  • કોઇને પણ સાથે વાર્તાલાપ કરવો હોય તો કેમ ઉત્તમ તત્ત્વો અને ઉત્તમ ઘટનાઓનો ન કરવો? પૂર્વે એક જ ગામમાંં શાલિભદ્રજીને ત્યાં રાજા શ્રેણિક આવે ત્યારે પણ તે જ ગામમાં બેન-બનેવી સુભદ્રા-ધન્યકુમારને જણાવ્યું ન હતું કારણ કે તે સ્થૂળ ઘટના હતી.
  • જીવનમાં ઘણી વખત આપણે આપણી ધારણાઓના વંટોળમાં એવા અટવાયેલા હોઇએ છે કે આપણે જે ઝંખતાં હોય તે આંગણે આવીને ઉભું હોય પણ તે જોવાની આપણને સ્થિરતા ન હોય.
  • પ્રભુ એટલું જ બોલે અને ત્યારે જ બોલે જ્યારે સામાનું કલ્યાણ નિશ્ચિત હોય, એ સિવાય બોલે જ નહીં.
  • આપણને ૩ કલાકની વંદે ભારત ટ્રેનની જર્ની પણ દિવસો સુધી મનમાંથી જાય નહીં અને શાલિભદ્રજી દેવો જેવા સુખથી ભરેલું જીવન છોડી અણસણ સ્વીકારી, સિદ્ધોના ધ્યાનમાં સ્થિર બને ત્યારે સંસારની કોઇ યાદ પણ નહીં. માતા ભદ્રા કેવું રુદન કરે છે અને તેમને સાંત્વના આપવા ઇન્દ્ર મહારાજા સમવસરણથી વૈભારગિરી પર પધાર્યા તેનો ઉલ્લેખ દિગંબર પરંપરાના ગ્રંથમાં સચવાયેલો છે.
  • પુણ્ય મળે, પુણ્યના ભોગવટા મળે તે તો આનુષંગિક ફળ છે, હેતુ નથી. ધર્મનું તાત્વિક ફળ તો દેહ-ભાવથી પૂર્ણ મુકત થઇને આત્માનો અનુભવ થવો તે છે. સંગમના ભવમાં કેવી ફળવતી અને બળવતી સાધના કરી કે શાલિભદ્રજીને બીજા જ ભવમાં આ ફળ મળ્યું.
  • ઇચ્છા માત્ર જતી રહી હોય તે નિરીહતા.


નોંધ ૧: આજના સ્વાધ્યાયમાં ઉલ્લેખ કરેલ શ્રી શાંતિલાલ શાહ રચિત અને સ્વરાંકિત શ્રી શાલિભદ્રજીના કથાગીતની PDF અને MP3 ફાઇલ્સ માટે https://jainelibrary.org/ વેબ-સાઇટનો આભાર વ્યકત કરીએ છે.
નોંધ ૨: આજના સ્વાધ્યાયમાં શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના સ્તવનનુંં ગાન થયું ન હતું.