Skip to the content

Swadhyay 07 (18-Sep-2022)

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (વર્ષ ૨૦૭૮ ભાદરવા વદ ૮) રોજ થયેલ સ્વાધ્યાય ૦૭ ના અંશો

 • પૂજયશ્રીના હૃદયનો એવો ભાવ હતો કે "મારે શ્રી સંઘને હર્ષોલ્લાસથી ધબકતો જોવાના કોડ છે." માટે જ આપણી આ અભંગદ્વાર પાઠશાળાનો એક ઉદ્દેશ એ છે કે "આપણું જીવન કોઇ પણ ક્ષણે અંદરથી સ્વસ્થ અને આનંદથી ભરેલું કઇ રીતે બને?"
 • જ્ઞાનપ્રાપ્તિની ભૂખ કેવી હોય તે માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો જીવનપ્રસંગ. દરરોજ ૮ કિ.મી. ભણવા જવું અને પાઠ લઇને પાછા આવવું. પૂજ્યશ્રીની માન્યતા કે "સમયસર બહુમાનપૂર્વક જ્ઞાન મેળવવાના સમયે પહોંચી જવું એ મારું કર્તવ્ય" અને કોઇ કારણસર પાઠ ન થાય તો પૂજ્યશ્રી એટલા જ બહુમાનથી પાછા ફરતા.
 • આપણને શરીરમાં વિટામીન્સ અને ઇમ્યુનિટીની જેટલી જરૂર સમજાય છે તેનાથી પા ટકા (૦.૨૫%) પણ ચિંતા જ્યારે આત્મા માટે પ્રગટશે ત્યારે સમજાશે કે જ્ઞાન લેવાની રીત કઇ? જ્ઞાન માટેની ભૂખ કઇ? અને જ્ઞાન માટે બધું જ ગૌણ કરવાની ક્ષમતા કઇ?
 • જ્ઞાનપ્રવર્તનનું એક કર્તવ્ય અમલમાં મૂકવા જેવું છે. મારા જીવનમાં જ્ઞાન આવે અને જે તે યોગ્ય જીવો સુધી મારા પ્રભુની વાણી કઇ રીતે પહોંચે તે માટેના પ્રયત્નો એટલે જ્ઞાનપ્રવર્તન. આ માટે દરેક જણ એવો પ્રયત્ન કરે જેમની ઋજુતા, સરળતા, યોગ્યતા, જ્ઞાન ગ્રહણ કરવાની ભૂમિકા મને સ્પર્શે છે એવી પાંચ વ્યક્તિને દર મહિને અભંગદ્વારમાં જોડાવા માટેની સમજણ આપવી.
 • પાઠશાળા અંક ૨ માંથી પૂજ્યશ્રીના વચનો - ધર્મ આધારિત અર્થવ્યવસ્થા
 • સંસારીને અર્થ પુરુષાર્થ વિના ચાલવાનું નથી પણ તેનો આધાર ધર્મ હોય તો શું થશે તેની દિશા પૂજ્યશ્રી બતાવે છે.
 • અનીતિ કરીએ તો જ જીવાય, અપ્રમાણિક રહીએ તો જ આ બધું મળે, બધે જ ન્યાય-નીતિની વાતો કરશો તો રોટલા ભેગા પણ નહિ થવાય, બધા કરે છે તો આપણે પણ એમ જ કરવું - આવી આપણી વાતોમાં પરોક્ષ રીતે પ્રભુના વચનો પ્રત્યેની અશ્રદ્ધા વ્યક્ત થઇ જાય છે.
 • આપણી ૧-૨ પેઢી પહેલાના વડીલોના જીવનમાં કદાચ આપણા જેવો ધર્મ-ક્રિયાનો વ્યવહાર ન હતો પણ અનીતિ કરવાની વાત, કોઇનું પડાવી લેવાનું કે પચાવી પાડવાની વાત એમના કદાચ વ્યવહારમાં નહિ, પણ વિચારમાં પણ ન હતી એ આપણને યાદ છે ?
 • એક આત્મનિરીક્ષણ એ થવું જોઇએ કે મારા ધર્મના, વ્યવહારના, પારિવારિક કે મૈત્રીના સંબંધોમાં ક્યાં અને કેટલા પ્રમાણમાં અનીતિ કે અપ્રમાણિકતા છે. એ દૂર ન થાય તો કમ સે કમ પૂજ્ય ગુરુદેવને જે (અનીતિ અને અપ્રમાણિકતા માટેના લગાવનો) ખટકો છે તે મુજબ આપણને પણ એ ખટકવાનું શરૂ થાય.
 • ખોટું કરતાં પણ હોઇએ તો એનો બચાવ ન કરવો, એનો સ્વીકાર કરવો કે સાચું કરવાનું મારું સત્ત્વ નથી.
 • માણસો પાસેથી કામ લેવાથી લઇને, કોઇની સાથેના વ્યવહારમાં બોલાતા વચનોથી લઇને, કોઇને આપેલી જબાન પાળવાના સંદર્ભને લઇને, આવા દરેક વિષયમાં મારા જીવનની નીતિ અને પ્રમાણિકતા માટે સ્પષ્ટ વિચારો હોવા જોઇએ. જે ખોટું ન છોડી શકાય તે માટેનો ખટકો અને જે ખોટું છોડી શકાય તે માટેનો પુરુષાર્થ અવશ્ય હોવો જોઇએ.
 • એક મુનિ ભગવંતના દર્શને "મત્થએણ વંદામિ" બોલાઇ જાય અને હર્ષ થાય એ કુળગત કે સંસ્કારવશ પણ હોઇ શકે, તે જ રીતે મુનિના દર્શને તેઓ ૨૨ પ્રકારના પરિષહમાં જે રીતે સ્વસ્થ હોય છે તેના આલંબનથી આપણા જીવનના આવા કોઇ પરિષહના સમયે આંશિક પણ સમજણપૂર્વકનો આવો સ્વસ્થપણાનો અનુભવ થાય તો તે મુનિ ભગવંતનો ગુણાત્મક સ્પર્શ થયો એમ કહેવાય.
 • પાર્લાના ચાતુર્માસ રહેલ મુનિ ભગવંતની વાત - મચ્છરને કિલામણાં ન થાય તે માટે મચ્છરદાની વાપરવી પડે તો વાંધો નહિ પણ મને તકલીફ ન થાય તે માટે વાપરવી પડે તો મારી સાધુતા નંદવાય. આપણે તો અધિકાર ન હોવા છતાં પણ મુનિએ મચ્છરદાની વાપરી કે નહિ તેના આધારે તેમના ચારિત્રની મૂલવણી કરી દઇએ પણ એમના ભાવોને ક્યારેય જાણ્યા, સ્પર્શ્યા?
 • પાલિતાણાની યાત્રાનો હેતુ શું? દેહ પ્રત્યેની મમત્ત્વની ભૂમિકાથી દૂર થઇ, કેવળ આત્મામાં સ્થિર થવા પૂર્વક, દેહથી ખરી પડવું અને આત્મામાં સ્થિર થવું એ મૂળ હેતુ છે. અને તે હેતુ એક વારની યાત્રાથી સિદ્ધ ન થાય તેથી જ જરૂર પડે તો નવ્વાણું યાત્રા, ચાતુર્માસ સ્થિરતા એવા આલંબનો લેવાય પણ દરેક વખતે ત્યાં હોઇએ ત્યારે મારા શરીરની આળ-પંપાળમાંથી મુક્ત થવાનો પ્રયોગ થવો જોઇએ.
 • બગીચામાં ખાવા બેઠા હોઇએ ત્યારે ત્યાં ખાવાની આશાએ આવતા કૂતરાઓની વાત કહેતાં પૂજ્યશ્રી સમજાવતા કે - આપણામાં અને કૂતરામાં કોઇ ફરક નથી. આપણે પણ સંસારમાં અલગ અલગ પ્રકારની આશાઓના ચપ્પણિયા લઇને ફરતાં હોઇએ છે, ક્યારેક આશા સંતોષાય તો રાગ કરીને કર્મબંધ કરીએ, ન સંતોષાય તો અજ્ઞાનને કારણે દ્વેષ કરીને પણ નવો કર્મબંધ કરીએ.
 • પરમ પૂજ્ય યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ રચિત પદ ૨૮ "आशा औरन की क्या कीजे?" અને પરમ પૂજ્ય શ્રી જીવવિજયજી મહારાજ રચિત સજ્ઝાય "आप स्वभावमां रे" ની કેટલીક કડીઓનું ગાન
 • પોતે એક નોંધ કરવી કે હું જે કંઇ પણ ધર્મ પ્રવૃત્તિ કરતો હોઉં તેમાંથી મારે અર્થને ક્યાં ક્યાં ખસેડતા જવું. ઉદાહરણ રૂપે પ્રક્ષાલના લાભ માટેની બોલી બોલવી છે અને ૫૦૦૦ રુપિયાની તૈયારી છે તો સીધી જ તે રકમ બોલવી અને પછી મૌન થઇ જવું. આવા પવિત્ર વાતાવરણમાં એકદમ બજાર જેવું જે વાતાવરણ ઉભું થાય તે સારું લાગતું નથી અને વ્યવસ્થા બદલી શકાતી નથી તો તેમાં હું આવું કંઇક કરી શકું. અહીં સુકૃતનો અનાદર નથી પણ જે રીતે પૈસાની બોલબાલા/મહત્ત્વ સ્થપાય છે તે ઓછું કરવું છે.
 • તીર્થના પવિત્ર સ્થળે કારણ વગર નાની વાતોમાં ભાવતાલ કરવા નહિ. પાલિતાણા એ સિદ્ધોની ભૂમિ છે તો ત્યાં તેમના નામસ્મરણની જગ્યાએ (ભાવતાલને કારણે) પૈસાનો ધ્વનિ સંભળાય તો તે શું સિદ્ધોનું અપમાન નથી?
 • જો ગુરુનું પૂજન કરવું છે તો તે માટેનો વાસક્ષેપ પણ તેમની પાસે માંગવો તે કોઇ રીતે ઉચિત નથી. ઘરેથી નીકળીએ ત્યારે રૂમાલ ન ભૂલાય તેનું કાયમ ધ્યાન રખાય છે પણ ગુરુના પૂજન માટેનો વાસક્ષેપ લેવાનું સમજાયું જ નથી તેનું શું? પૂજન માટે મૂકેલા દ્રવ્ય (રુપિયા કે ગીની) પર ક્યારેય વાસક્ષેપથી પૂજા કરવાની નથી - પૈસો પૂજનીય નથી જ.
 • ગુરુ ભગવંતને તો ધનની જરૂર નથી તો પૂજન માટે ધન (રુપિયા વગેરે) કેમ? હું જે રુપિયાને મારો આધાર માનું છું તે તમને (ગુરુને) મળ્યા પછી મને નિરાધાર લાગે છે માટે પ્રતીક સ્વરુપે એ રુપિયાને અહીં છોડી જાઉં છું આવી ભાવનાથી પૂજન સમયે ધન/અર્થ/દ્રવ્ય (રુપિયા/સોનું/ચાંદી) મૂકવાનો વ્યવહાર છે. અને આ ધન/સંસારની મમતા આંશિક રીતે પણ ઓછી કરાવી તેના ઉપકાર યાદ કરીને પોતે લાવેલા વાસક્ષેપથી ગુરુનું પૂજન કરવાનું છે.
 • ધન કઇ રીતે આવે (એટલે નીતિ અને પ્રમાણિકતાથી આવે) તેની કાળજી લેવી તે ધનની ખરી પૂજા.
 • ગુરુનો વિનય સાચવવા માટે ઉપાશ્રયમાં પ્રવચન પહેલા આવીને સ્થાન લેવું અને ગુરુ પોતાના સ્થાને પધારે ત્યાં સુધી જગ્યા પર જ રહેવું એ આટલા વર્ષો પછી પણ સમજાવવું પડે તે પીડાની વાત નથી?
 • આપણે શ્રી સંઘના અંગ છીએ તો આપણે જ્યાં જ્યાં હોઇએ અને જ્યાં જ્યાં આપણું પુણ્ય પહોંચતું હોય ત્યાં રહેલી બધી જ વાતોમાં ધર્મ કેમ સ્થિર થાય તેનો પ્રયત્ન કરવો તે આપણું કર્તવ્ય છે, ભક્તિ છે, ફરજ છે અને આ શરૂઆત આપણાથી જ કરવાની છે.
 • સ્વામી-વાત્સલ્ય જેવા મૂલ્યવાન આલંબન માટે નવા યુવાવર્ગને સૂગ કેમ અને દેખીતી અવ્યવસ્થાની પેલે પારનું મહત્ત્વ કેમ ન સમજાયું ? ઘરના પ્રસંગની જેમ ખૂબ દ્રવ્યો બનાવવાની અને એઠું ન મૂકવાની વ્યવસ્થામાંથી થતી જીદથી થતી તકલીફો - વિચારતા કરી દે એવી વાતો
 • શ્રી હાર્ડીકરજી વૈદ્ય સાહેબનો સંકલ્પ - ઉપચાર દરેકનો કરવો પણ જે દર્દીનો ધંધો અમુક પ્રકારનો હિંસાનો કે બીજાને દુઃખી કરે એવો હોય તે દર્દી પાસેથી ફી ન લેવી, આવું ધન મારા ઘરે ન આવવું જોઇએ.
 • નિઃસ્પૃહત્વમ્ એ જ સુખનો આધાર છે. મને જોઇએ છે એ વિચાર જ દુઃખનું મૂળ છે. સાચા પણ રસ્તે ધન જોઇએ છે એ પણ એમાં આવી જાય. પણ શ્રમણપણું સ્વીકાર્યું નથી અને સંસાર/પરિવાર લઇને બેઠા છીએ એ મર્યાદા છે એટલે ભૂમિકાને અનુરૂપ ધન મેળવવાનું.
 • પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજે કહેલું કે નદીમાં પાણી ન હોય તે પણ ન ચાલે અને નદીમાં પૂર આવે તે પણ ન ચાલે, એ વહેતી રહેવી જોઇએ. ધનની બાબતમાં શ્રાવકનું વલણ આવું હોવું જોઇએ - ધન વિના ન ચાલે, બહુ ધન પણ ન ચાલે, અને ધનનો દાનમાં ઉપયોગ ચાલુ રહેવો જોઇએ.
 • સામાન્ય રીતે જીવનમાં કટોકટી આવે ત્યારે સત્ત્વ અને શક્તિ બહાર આવે અને ધનની રેલમછેલ હોય ત્યારે અંદરની નબળાઇઓ બહાર આવે.
 • ઉત્તમ પુત્ર, પિતા પાસેથી મળેલા ધનનો પોતાને માટે ક્યારેય ઉપયોગ ન કરે. એમણે આપ્યું તેનો અનાદર નહિ કરવાનો પણ એનો ક્યાંક સદ્વ્યય કરી દેવાનો. મારે માટે પિતા દેવ તુલ્ય છે માટે તેમની પાસેથી મળેલી સંપત્તિ પણ દેવદ્રવ્ય જેમ જ! આવો નિશ્ચય હોય તો ક્યારેક નબળી પળે પિતાનું મૃત્યુ થાય તો સંપત્તિ કે ઇન્સ્યુરન્સ ક્લેમ મળે એવી ઇચ્છા આવવાની સંભાવના જ ખતમ થઇ જાય.
 • ધનની સાર્થકતા શેમાં છે? ઉત્તમ તત્ત્વોના ચરણમાં જો એ પહોંચે અને આપણી ધનની મૂર્ચ્છા ઉતરે તો એ ધન સાર્થક છે. નીતિપૂર્વક આવેલા ધનને પણ ઉત્તમ તત્ત્વો તરફ વહેતું રાખીએ તો સુખી થવાય.
 • જેમાં બંને તરફ હિસાબકિતાબ સરભર થાય એ વ્યાપાર અને જેમાં આપણી બાજુથી અપાતું જ રહે એ ભક્તિ.
 • પૂજ્યશ્રીએ એક શિબિરના અંતે કહેલું કે જેટલા રુપિયા ચાલી જવાથી મને કોઇ ફર્ક ન પડતો હોય તેટલા રુપિયા માટે ક્યારેય ભાવની રકઝક ન કરવી. આ રીતે તેટલા રુપિયા માટેની ધનની મૂર્ચ્છા છૂટે અને આગળ જતાં પરિવારની, દેહની મૂર્ચ્છા પણ છૂટે અને સિધ્ધત્ત્વની પ્રાપ્તિ થાય.
 • પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજે કહેલું કે કોઇ મને છેતરી ન જાય એ માટે બધા પર અવિશ્વાસ કરવો એના કરતાં આ જિંદગીમાં ૫-૨૫ વાર છેતરાઇ જવામાં ઓછું નુકસાન છે.
 • કવિ શ્રી મકરંદ દવે રચિત ગીત "કોક દિન ઈદ અને કોક દિન રોજા" ની કેટલીક કડીઓનું ગાન
 • ધર્મને શુદ્ધ સ્વરૂપમાં કર્યો હોય તો પ્રસન્નતાથી છલકાયા વિના રહેવાય નહીં. ધર્મ ધનથી નથી થતો, શ્રદ્ધાથી અને ભાવનાથી થાય છે.
 • નોંધ: સમયના અભાવે આજના સ્વાધ્યાયમાં શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના સાતમા સ્તવનનુંં ગાન થયું ન હતું.

સ્વાધ્યાય mp3 અને સ્વાધ્યાયનો YouTube વિડિયો તૈયાર થયા પછી સર્વને જણાવવામાં આવશે.