Skip to the content

Swadhyay 06 (31-Jul-2022)

૩૧ જુલાઇ ૨૦૨૨ (વર્ષ ૨૦૭૮ શ્રાવણ સુદ ૩) રોજ થયેલ સ્વાધ્યાય ૦૬ ના અંશો

  • જેમની હાજરી માત્રથી પૂજ્યશ્રીના ભીતરમાં આનંદ પ્રગટતો તે વડીલ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું સાન્નિધ્ય આજના સમગ્ર સ્વાધ્યાયમાં પ્રાપ્ત થયું અને તેમની સાથેના સંવાદમાં અનેક શબ્દોના વિસ્તૃત અર્થોની સમજણ મળી.
  • સ્વયંની પ્રયોગશાળા એટલે અભંગદ્વાર પાઠશાળા. આ પાઠશાળા કેવળ જાત ઉપર પ્રયોગો કરવા માટે અને એ પ્રયોગોથી જાતને સમજવા માટે છે. આપણા જીવનનો હેતુ, આપણો વ્યવહાર, વિચાર, આચાર શું છે અને આપણે ક્યાં પહોંચ્યા છીએ તે સમજવું છે. આ માટે જ્ઞાનયાત્રાના ચાર ચરણો ફરી ફરીને યાદ કરવા પડશે અને અમલમાં લાવવા પડશે.
  • પાઠશાળા ગ્રંથ-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - સ્વયં સંભાવના કરીએ તો સારી જ કરીએ
  • સંભાવના એટલે "આ પ્રમાણે હશે" અર્થાત્ જેના વિષે આપણે સ્પષ્ટ નથી તેના વિષેનો અભિપ્રાય તૈયાર કરવો.
  • વિધાયક એટલે હકારાત્મક. સંપૂર્ણપણે નિષેધનો અભાવ એટલે કે નકારાત્મકતા સહેજ પણ ન હોવી એ વિધાયકતા. આપણને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એવી સર્વ ઘટનાઓનો સમભાવે સ્વીકાર એ પણ વિધાયકતા.
  • આપણને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે વધારે સ્પષ્ટતાથી જાતને જોવાનો એક અવકાશ મળતો હોય છે. એ પળે સમજી શકાય તો (સારા જીવનમાં) વળી શકાય છે અને ન સમજી શકાય તો બમણાં જોરથી પડી જવાય.
  • પ્રવૃત્તિના આધારે આપણું જીવન વિશિષ્ટ હોય તેવી આજ સુધીની સામાન્ય સમજણ હતી. પૂજ્યશ્રી સમજાવે છે - વિધાયક દૃષ્ટિવાળું જીવન એ વિશિષ્ટ કહેવાય.
  • સંતોનું સેવન કઇ રીતે થાય તેની સેવ્ય-સેવક ભાવથી સમજણ. જે આપણને આપણાથી ચડિયાતું લાગે એટલે કે જેમનામાં જ્ઞાનનો વિશેષ પ્રકાશ થયો છે તે સેવ્ય, અને આપણે તેમના સેવક છીએ એટલે તેમની સેવામાં આપણું શ્રેય છે, કલ્યાણ છે. આ સેવા કઇ રીતે થાય તેની વિશેષ સમજણ
  • સેવા દૂરથી ન થાય, તે માટે અનિવાર્ય પણે સેવ્યના સાંન્નિધ્યમાં રહો, સામીપ્યમાં રહો, તેમના આંદોલનોમાં રહો, એટલે તમને ખબર પણ ન પડે તે રીતે તમારું કલ્યાણ થઇ જાય. આપણે જેમની સેવામાં હોઇએ તેમને આપણી ઉપસ્થિતિનો સહેજ પણ ભાર ન લાગે તેમ સેવા કરવાની છે.
  • પરમ પૂજ્ય આચાર્યશ્રી ઉદયવલ્લભ સૂરિશ્વરજી મહારાજાએ સંસ્કૃત શ્લોકનો અર્થ સમજાવતા કહ્યું હતું કે "જેમને હું પ્રણામ કરું છું તેમના કરતાં હું કોઇ વિષયમાં હીન છું તેવા ભાવ સાથે થતી ક્રિયા એટલે નમસ્કાર."
  • શ્રી સંઘના જે પણ કાર્યકર્તા હોય તેમને ક્યારેય પણ તાલીમ વિના કામ સોંપવા નહિ. આ તાલીમ એટલે શ્રી સંઘ શું? આપણું કર્તવ્ય શું? અને આપણને મળેલી સેવાની તકનો લાભ શું? વગેરેની સમજણ. જો આનાથી એ પરિચિત નહી હોય તો એ લાભના સ્થાને અનેક નુકસાનો ભેગા કરીને ઘરે જશે.
  • શ્રી દિનકર જોષીની નવલકથા - "૩૫ અપ ૩૬ ડાઉન" નો ટૂંકમાં ઉલ્લેખ અને સારાંશ - નજરે જોયેલી ઘટનાનું અર્થઘટન પણ ખોટું હોઇ શકે.
  • બૌદ્ધ ગ્રંથ બોધિચર્યાવતારમાં સાધુને કહ્યું કે "અભિપ્રાય બાંધવા નહીં" કારણકે સાચો અભિપ્રાય બાંધવા માટે તમે સક્ષમ છો જ નહીં. આપણે તો અભિપ્રાય (opinion) આપતા નથી, વ્યક્તિ કે ઘટના માટેનો નિર્ણય (judgement) આપી દઇએ છે.
  • કોઇની નબળાઇ, કોઇની મર્યાદા, કોઇના સંજોગો - એ ખબર પડે અને કો'કને ખબર પાડીએ એમાં આપણી ખબર લેવાઇ જાય. ખરેખર તો એને એ રીતે ઢાંકવું કે જેથી એનું ગૌરવ સચવાઇ રહે.
  • Pollyanna by Eleanor Porter નો સારાંશ - પિતાએ બાળકને શીખવેલી રમત - કોઇ પણ સ્થિતિમાં એક અંશ તો એવો હોય જે આપણને સુખ આપે એને શોધવાની કળા એવી રમત અને આ રમતથી આખું ગામ કેવું બદલાય તે માટે નવલકથા વાંચવી રહી.
  • પાઠશાળા ગ્રંથ-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ મુનિશ્રી વીરવિજયજી: ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા એ મહાપુરુષને શતશઃ પ્રણામ
  • મુનિશ્રી વીરવિજયજી રચિત અંબાલાના શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના क्युं न हो सुनाई सांई સ્તવનનું સમૂહ ગાન
  • મહાપુરુષો જ્યારે કંઇક કહે તે વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને આદર સહિત તેનો સ્વીકાર કરવામાં આવે તો જીવનમાં અલૌકિક અનુભવો થાય.
  • જેની જીભ કોઇની નિંદામાં પ્રવૃત્ત ન હોય અને જેનું જીવન/વૃત્તિ કોઇ ઇન્દ્રિયમાં રોકાયેલી ન હોય તેવા વ્યક્તિઓને પ્રકૃતિ વચનસિદ્ધિ જેવું વરદાન આપતી હોય છે.
  • પાઠશાળા ગ્રંથ-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - જિજ્ઞાસા ૧: મહોત્સવ પ્રસંગમાં કાળાં કપડાં પહેરીને પ્રવેશ કેમ નહીં ?
  • મહોત્સવ દરમ્યાન આચાર ધર્મ સાચવવા માટે જેમ કાળજી લેવાય છે તેમ આપણા કાર્યકરો વ્યાખ્યાન મંડપ, વિધિ મંડપ કે ભોજન મંડપમાં શું ભાષા બોલશે, કેવા શબ્દપ્રયોગ કરશે તેની વિશેષ કાળજી લેવાય કે જેથી આવનારના ચિત્તને પ્રસન્નતા જ મળે અને તેમનું મન ક્યારેય ખંડિત ન થાય.
  • ભગવાન આપણને નિરુત્તર નથી કરતા, આપણને નિઃસંશય કરે છે. હૃદય માનતું ન હોય ત્યારે જો બુદ્ધિ કે તર્કથી સામાને ઉત્તર આપી શકવા સક્ષમ ન હોઇએ અને ચૂપ થઇ જઇએ તો એ નિરુત્તર કહેવાય. પ્રભુએ વેદગ્રંથોને ખોટા કહીને ગણધરોને નિરુત્તર ન કર્યા પણ તે શબ્દોના અલગ અર્થો કહીને, મૂળ વાત સમજાવીને ગણધરોને નિઃસંશય કર્યા.
  • પાઠશાળા અંક ૨ માંથી પૂજ્યશ્રીના વચનો - નૂતન પ્રભાતે પ્રાર્થના
  • મૃત્યુ સમયે સૌથી મોટી પીડા આશાની સમાપ્તિ થાય છે એ છે. એટલે જ જે માણસની આશા જતી રહે તે જીવતો હોવા છતાં મરેલા સમાન છે. માટે કવિ પુણ્યથી મળતા આયુ, આરોગ્ય, ઐશ્વર્યના સ્થાને આશાની માંગણી કરે છે.
  • આવનારા સંજોગોથી વિચલિત ન થવું તે સ્થૈર્ય (સ્થિરતા) જ્યારે વિપરીત સંજોગોમાં ગભરાવું નહિ તે ધૈર્ય.
  • પરમ પૂજ્ય આચાર્ય શ્રી હાર્દિકરત્નસૂરિશ્વરજી મહારાજની ગિરનાર જંગલના ચાતુર્માસ દરમ્યાન જંગલી પ્રાણીઓ સાથેનો સહવાસ - કોઇ બીજું છે એમ માનવું એટલે ભય થાય. તમારાથી ભિન્ન કંઇ છે જ નહિ એમ માનો ત્યારે ભયનું કોઇ કારણ નથી અને ત્યારે જ અભયનો ગુણ સિદ્ધ થાય. નમુત્થુણં સૂત્રમાં પણ સૌથી પહેલાં પ્રભુ તરફથી અભયનું જ દાન છે.
  • આપણું ધ્યાન સામાન્યથી જે પરિવર્તનશીલ છે, જે બદલાય છે તે તરફ વધારે જાય છે પણે જે સ્થિર છે તેવા ગુણો તરફ ઓછું જાય છે એટલે જ તેની શોધ કરવાની છે.
  • જગત એટલે ગતિશીલ એટલે બધું બદલાતું લાગે છે. પણ બધું બદલાય છે તે કોઇ સ્થિરના આધારે અને તે સ્થિરની શોધ કરવાની છે. આ જે બદલાય છે તે આપણે નથી, જે સ્થિર છે તે મારો આત્મા છે અને એનો અનુભવ કરવો તે જીવનનું લક્ષ્ય હોવું જોઇએ.
  • પામરતા એટલે બિચારાપણું, અલ્પતા, નિરુપાયપણું, દીનભાવ. પામર એટલે જેનામાં અંદર કે બહારનું કંઇ પણ સામર્થ્ય નથી તે. જેને પોતાનામાં કે બીજાનામાં શ્રદ્ધા નથી તે પામર છે અને તે દયાપાત્ર છે. પ્રભુને પ્રાર્થના કે મને આવી પામરતા ન મળે.
  • દીનતાનો ક્ષય એટલે દીક્ષા. એ જેને મળે તે કાયમ શહેનશાહનો જ અનુભવ કરતો હોય.
  • મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના છઠ્ઠા સ્તવન (સુગુણ સનેહા રે કદિય ન વિસરે) નુંં સમૂહ ગાન અને અર્થની સમજણ
  • સાચો પ્રેમ જે હોય તેને પ્રતિભાવ કે સ્વીકૃતિની અપેક્ષા ન હોય, અને અપેક્ષા હોય તો તે પ્રેમમાં કચાશ છે તેમ સમજવું.
  • આજના સ્વાધ્યાયના આધારે પ્રયોગ કઇ રીતે કરી શકાય? કોઇ સંભાવના નબળી નથી કરવી. મનમાં કદાચ આવી જશે તો પણ હવેના ૩૦ દિવસ સુધી જીભ પર ન આવે તેની કોશિશ કરીશ. જીભ પર આવી જાય તો સ્વયં એનું પ્રાયશ્ચિત્ત લઇશ અને ન આવે તો એને પ્રભુનો પ્રસાદ સ્વીકારી એમનો આભાર માનીશ.

સ્વાધ્યાય mp3 અને સ્વાધ્યાયનો YouTube વિડિયો તૈયાર થયા પછી સર્વને જણાવવામાં આવશે.

Swadhyay Materials

Download all materials   

Documents

Audios

Stavan 06 - Suguna Saneha Re
Stavan 06 Gatha 01
Stavan 06 Gatha 02
Stavan 06 Gatha 03
Stavan 06 Gatha 04
Stavan 06 Gatha 05

Video recording



Audio recording


MP3 audio file of entire duration of Swadhyay

Click here to download